ICC T20 વર્લ્ડ કપ 2024 ના અંત સાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. જ્યારે રાહુલ દ્રવિડને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે મજાકમાં કહ્યું કે હવે હું બેરોજગાર રહીશ, જો કોઈ ઓફર હોય તો મને જણાવો. દ્રવિડે મીડિયા સમક્ષ આ વાત કહી હતી. એવા સમાચાર છે કે દ્રવિડને પણ ઓફર મળી છે. ન્યૂઝ18 બાંગ્લાનાં સમાચાર અનુસાર, રાહુલ દ્રવિડનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ ઈચ્છે છે કે દ્રવિડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મેન્ટર તરીકે ટીમ સાથે જોડાય. દ્રવિડના કાર્યકાળ દરમિયાન, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024, એશિયા કપ, વર્લ્ડ કપ 2023 જીત્યો હતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. વાસ્તવમાં ગૌતમ ગંભીર 2024માં KKRના મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયો હતો, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ટીમ છોડી દીધી છે. જ્યારથી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચના પદ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી હતી ત્યારથી એવા અહેવાલો હતા કે ગંભીર આ ભૂમિકા નિભાવી શકે છે.
ગંભીર 2024માં KKRનો મેન્ટર હતો અને KKRએ ખિતાબ કબજે કર્યો હતો. આ પછી બીસીસીઆઈ હેડ કોચના પદને લઈને ગંભીર સાથે સતત વાત કરી રહ્યું હતું. હાલમાં જ ગંભીર કોલકાતાથી પરત ફર્યો હતો, એવું કહેવામાં આવ્યું હતું કે તેને કોલકાતામાં વિદાય આપવામાં આવી છે અને ટૂંક સમયમાં બીસીસીઆઈ જાહેરાત કરશે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ હશે.
T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર પર પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ રમી રહી છે અને તે પછી ટીમ ઈન્ડિયાને આવતા મહિને શ્રીલંકા ટૂર પર જવાનું છે. VVS લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર મુખ્ય કોચ તરીકે ગયા છે અને એવા અહેવાલો છે કે ગૌતમ ગંભીર શ્રીલંકા સામેના પ્રવાસ પહેલા તેમનું પદ સંભાળશે.