રાજસ્થાનના ચુરુથી લોકસભા સાંસદ રાહુલ કાસવાને બીજેપી છોડી દીધી છે. રાહુલ કાસવાને X પર પોસ્ટ કરીને કહ્યું- રામ-રામ મારો ચૂરુ લોકસભા પરિવાર. આપ સૌની, મારા પરિવારજનોની લાગણીને અનુરૂપ હું જાહેર જીવનમાં એક મોટો નિર્ણય લેવાનો છું. રાજકીય કારણોસર હું ભાજપના પ્રાથમિક સભ્યપદ અને સંસદ સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ કાસવાનને તેમના નિવાસસ્થાને પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવ્યા. આ પ્રસંગે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા, પ્રદેશ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા, વિપક્ષના નેતા ટીકારામ જુલી પણ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે ચુરુના બીજેપી સાંસદ રાહુલ કાસવાન ટિકિટ કાપવા પર નારાજ હતા. એટલા માટે તેમણે પાર્ટી છોડી દીધી છે. રાહુલ કાસવાનનું કહેવું છે કે તેમને ટિકિટ કાપવાનું કારણ જણાવવામાં આવ્યું નથી. મારો ફોન પણ કોઈ ઉપાડતું નથી. આખરે મારી ભૂલ શું છે? માનવામાં આવે છે કે રાજેન્દ્ર રાઠોડ સાથેની દુશ્મનાવટને કારણે ભાજપમાંથી રાહુલ કાસવાનની ટિકિટ કપાઈ છે. આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં રાજેન્દ્ર રાઠોડ ચુરુની તારાનગર બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. આ માટે રાહુલ કાસવાનને ઈશારામાં જવાબદાર ગણાવ્યા હતા. ઈશારામાં રાહુલ કાસવાનને જયચંદ કહેતા હતા.