કેન્દ્ર સરકાર બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને ખુશખબર આપી છે. લોકસભા ચૂંટણી પહેલા સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં ચાર ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવશે. ડીએમાં વધારાને કારણે રાજ્યના લગભગ 10 લાખ કર્મચારીઓ અને આઠ લાખ શિક્ષકોના પગારમાં વધારો થશે. આ ઉપરાંત 12 લાખ પેન્શનરોના મોંઘવારી રાહત ભથ્થામાં પણ ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
1 જાન્યુઆરીથી લાભ મળશે
રાજ્ય સરકારે ડીએમાં વધારો મંજૂર કર્યા બાદ તેનો અમલ 1 જાન્યુઆરીથી કરવામાં આવશે. આ વધારા બાદ કર્મચારીઓ અને પેન્શનધારકોને મળતું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું છે. હાલમાં કર્મચારીઓને મૂળ પગારના 46 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર લગભગ 314 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. લોકસભા ચૂંટણી પહેલા આ જાહેરાતથી સરકારને ફાયદો થઈ શકે છે.
હાલમાં 46 ટકા DA અને DR
આગામી દિવસોમાં વધુ રાજ્ય સરકારો દ્વારા ડીએમાં વધારા અંગેની જાહેરાતો કરવામાં આવી શકે છે. હાલમાં, યુપી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 46 ટકાના દરે DA/DR મળે છે. રાજ્યના કર્મચારીઓને એપ્રિલમાં વધેલા દરે DA ચૂકવવામાં આવે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ પહેલા મોદી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.