હરિયાણામાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનાર મનોહર લાલ ખટ્ટરે હવે ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે. તેઓ હરિયાણાની કરનાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા અને તેમણે બુધવારે આ પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મંગળવારે અચાનક બનેલી ઘટનામાં મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી નાયબ સિંહ સૈનીને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે.
નાયબ સિંહ સૈની હાલમાં હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી સાંસદ છે. તેમણે આગામી છ મહિનામાં કોઈપણ પેટાચૂંટણી દ્વારા વિધાનસભાના સભ્ય બનવું જરૂરી રહેશે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે તેઓ કરનાલ વિધાનસભાની ખાલી પડેલી સીટ પરથી ચૂંટણી લડી શકે છે. બીજી તરફ એવી અટકળો ચાલી રહી છે કે મનોહર લાલ ખટ્ટરને આગામી લોકસભા ચૂંટણીમાં કરનાલ સીટ પરથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.