સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ અધિનિયમને રદ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. મદરેસા સંચાલકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદરેસા એક્ટને ગેરબંધારણીય અને બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ ગણાવીને ફગાવી દીધો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે આ મામલે કેન્દ્ર સરકાર અને યુપી સરકારને નોટિસ પાઠવી છે અને તેમનો જવાબ માંગ્યો છે. આ બેંચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા.
બેન્ચે કહ્યું, ‘મદરેસા બોર્ડનો ઉદ્દેશ્ય નિયમનકારી છે. પ્રથમ દૃષ્ટિએ અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું યોગ્ય નથી કે મદરેસા શિક્ષણ બોર્ડની રચના ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી સરકારને આદેશ આપ્યો હતો કે મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરીને તેમને પ્રવેશ અપાવવા. અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે સરકાર પાસે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરવાની સત્તા નથી. આ ઉપરાંત, સરકાર શાળા શિક્ષણ માટે આવા કોઈ બોર્ડની રચના કરી શકતી નથી કે જેના હેઠળ ફક્ત કોઈ ચોક્કસ ધર્મ અને તેના મૂલ્યો શીખવવામાં આવે.
હાઈકોર્ટના આ નિર્ણય સામે મદરેસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે યુપી મદરસા એક્ટ 2004ને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી દીધો હતો. આ પછી યોગી સરકારે યુપીમાં ચાલતી લગભગ 16 હજાર મદરેસાઓની માન્યતા રદ કરી દીધી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે મદરેસા સંચાલકોને મોટી રાહત આપી છે. તમને જણાવી દઈએ કે મદરેસાઓના ફંડિંગ પર પણ સમયાંતરે સવાલ ઉઠતા રહ્યા છે.