નાણાકીય વર્ષના પ્રથમ દિવસે આજે Gold ના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. આજે એમસીએક્સ પર 10 ગ્રામ સોનાની કિંમત 69,487 રૂપિયાની નવી ઊંચી સપાટીએ હતી. શરૂઆતના વેપારમાં તે રૂ. 1,800 પ્રતિ 10 ગ્રામ ઉછળ્યો હતો. હવે તે રૂ. 70000ના નવા મનોવૈજ્ઞાનિક સ્તરથી માત્ર રૂ. 513 દૂર છે.
આજે બુલિયન માર્કેટમાં પણ સોનાની કિંમત 68964 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલીને નવો ઈતિહાસ રચ્યો છે. ગુરુવારે રૂ.67252 પર બંધ રહ્યો હતો. જ્યારે આજે ચાંદી 75400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી છે. અગાઉ તે રૂ.74127 પર બંધ થયો હતો.
IBJA દ્વારા જાહેર કરાયેલા રેટ મુજબ 23 કેરેટ સોનું હવે 68688 રૂપિયા પર પહોંચી ગયું છે. 22 કેરેટનો ભાવ હવે 63171 રૂપિયા અને 18 કેરેટનો ભાવ 51723 રૂપિયા પર પહોંચી ગયો છે. આમાં GSTનો સમાવેશ થતો નથી.
સોનાના ભાવમાં આ વધારો યુએસ ફુગાવાના ડેટાને કારણે થયો છે. સવારે 9:30 વાગ્યે, MCX પર એપ્રિલ સોનું વાયદો રૂ. 1,253 અથવા 1.85%ના ઉછાળા સાથે રૂ. 68,930 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે મે ચાંદીનો વાયદો રૂ. 739 અથવા 0.98% વધીને રૂ. 75,787 પર ટ્રેડ થઈ રહ્યો હતો. MCX પર સોના અને ચાંદીના વાયદા ગુરુવારે વધારા સાથે સમાપ્ત થયા.
સોનું કેમ વધી રહ્યું છે
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે સોનામાં સકારાત્મકતા સાથે વેપાર થઈ રહ્યો હતો, પરંતુ ભાવમાં તાજેતરનો વધારો યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની વધતી અપેક્ષાને કારણે હતો. એમસીએક્સ પર, સોનાના કોન્ટ્રાક્ટ રૂ. 66,330 અને રૂ. 69,300 વચ્ચે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ચાંદી રૂ. 78,900 અને રૂ. 73,400 વચ્ચે ટ્રેડ થઈ રહી છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે દિલ્હી, અમદાવાદ અને અન્ય શહેરો જેવા મોટા બુલિયન બજારોમાં સોનાની કિંમત 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 76,000 રૂપિયા છે.