આ મામલામાં નવી મુંબઈ પોલીસે પનવેલમાં સલમાનની (Salman Khan) કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહેલા 4 લોકોની ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસે ફરી એકવાર બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે જેઓ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
આ ચારની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા, વસીમ ચિકના અને રિઝવાન ખાન તરીકે થઈ છે. આ ચારેય આતંકી હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાનમાંથી સપ્લાયર મારફત હથિયાર મેળવવાની યોજના બનાવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરો AK-47, M-16 અને AK-92 મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત 18 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.
સલમાન અત્યારે યુરોપમાં છે. તે અનંત-રાધિકના બીજા પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચ્યો છે.
આ કાર્યક્રમ માટે સલમાન ગયા સોમવારે દેશ છોડી ગયો હતો. ભત્રીજો નિરવ ખાન પણ તેની સાથે ગયો છે.
14મી એપ્રિલે એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું
આ પહેલા 14 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે બાઇક પર આવેલા હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ફાયરિંગ કરતી વખતે બંને હુમલાખોરો સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે.
સલમાનના ઘરે ફાયરિંગ બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે તેને મળવા આવ્યા હતા. શિંદે સલમાનના પિતા સલીમ ખાનને પણ મળ્યા હતા.
બે દિવસ બાદ ફાયરિંગના બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.