BCCI દ્વારા મંગળવારે રિષભ પંતને IPLમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને 14 મહિના પહેલા એક કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેઓ લાંબા સમય સુધી બેડ રેસ્ટ પર હતા અને તે પછી તેમના પગમાં થયેલી ઈજાને કારણે તેઓ લાંબા સમય સુધી ક્રેચની મદદથી ચાલતા હતા. જો કે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને IPL 2024માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે વાપસી કરશે. પંત દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોડાયા છે. તેણે કહ્યું કે તે થોડો નર્વસ છે અને તેને લાગે છે કે તે ફરીથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
રિષભ પંત 13 માર્ચે દિલ્હી કેપિટલ્સ IPL 2024 પ્રી-સીઝન કેમ્પમાં જોડાયો હતો. આ વિકેટકીપર બેટ્સમેન IPLમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે, જેની પ્રથમ મેચ 23 માર્ચે મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે થશે. પંતે કહ્યું, “હું ઉત્સાહિત અને નર્વસ છું. એવું લાગે છે કે હું ફરીથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છું.
પંતે દિલ્હી કેપિટલ્સની એક રીલીઝમાં કહ્યું, “હું જેમાંથી પસાર થયો છું તે જોતાં, ફરીથી ક્રિકેટ રમી શકવું એ કોઈ ચમત્કાર નથી. હું અમારા શુભેચ્છકો અને પ્રશંસકો અને ખાસ કરીને BCCI અને નેશનલ ક્રિકેટ એકેડમીના સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું. તેમનો પ્રેમ અને સમર્થન મને સતત મજબૂત રાખે છે.”
દિલ્હી કેપિટલ્સના પ્રિ-સીઝન પ્રેક્ટિસ કેમ્પમાં જોડાવા પર પંતે કહ્યું, “હું દિલ્હી કેપિટલ્સ અને IPLમાં પરત ફરવા માટે ઉત્સાહિત છું. આ એક એવી ટુર્નામેન્ટ છે જે રમવાની મને સંપૂર્ણ મજા આવે છે. અમારી ટીમના માલિકો અને સપોર્ટ સ્ટાફે મને શરૂઆતથી જ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું, જેના માટે હું તેમનો હૃદયપૂર્વક આભારી છું.” સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ભારત માટે 33 ટેસ્ટ, 30 વનડે અને 66 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે.