મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલના ઈતિહાસમાં આજે એટલે કે 18મી એપ્રિલ ગુરુવારે એક ખાસ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે. તે IPLની એક ચુનંદા ક્લબમાં જોડાવા જઈ રહ્યો છે, જેમાં અત્યાર સુધી માત્ર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના મહાન વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે IPLમાં 250 થી વધુ મેચ રમી છે. હવે આ યાદીમાં રોહિત શર્માનું નામ સામેલ થવા જઈ રહ્યું છે.
જ્યારે રોહિત શર્મા ચંદીગઢના મેદાન પર પંજાબ કિંગ્સ સામે ફિલ્ડિંગ અથવા બેટિંગ કરવા ઉતરશે ત્યારે તે IPLમાં 250 મેચ રમનાર વિશ્વનો બીજો ક્રિકેટર બની જશે. તેમના કરતા વધુ મેચ રમનાર એક માત્ર એમએસ ધોની છે. એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે 256 મેચ રમી છે, જ્યારે રોહિત શર્મા ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીમાં 249 મેચ રમી ચૂક્યો છે. દિનેશ કાર્તિકે પણ આટલી જ મેચ રમી છે.
દિનેશ કાર્તિકે દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઘણી મેચ રમી છે. IPLમાં હિટમેન રોહિત શર્માના રેકોર્ડની વાત કરીએ તો તેણે 249 મેચની 244 ઇનિંગ્સમાં 29 વખત અણનમ રહીને કુલ 6472 રન બનાવ્યા છે. IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર 109 રન છે. તેણે 30.1ની એવરેજ અને 131.22ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. બે સદી ઉપરાંત તેણે 42 અડધી સદી ફટકારી છે. તેણે 582 ફોર અને 272 સિક્સ પણ ફટકારી છે.