બિહારની રાજધાની પટનાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પટના સિવિલ કોર્ટમાં બુધવારે બપોરે એક ટ્રાન્સફોર્મરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ટ્રાન્સફોર્મર પાસે ઉભેલા ત્રણ વકીલો ખરાબ રીતે દાઝી ગયા હતા. એક વકીલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બે લોકોને સારવાર માટે પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને ઓલવવાનું શરૂ કર્યું હતું. મૃતકની ઓળખ સિવિલ કોર્ટના નોટરી દેવેન્દ્ર પ્રસાદ તરીકે થઈ છે.
અકસ્માત બાદ વકીલોએ કોર્ટ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરોધ કરી રહેલા વકીલોને સમજાવવામાં વ્યસ્ત રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રાન્સફોર્મરમાં ઓઈલ લીક થઈ રહ્યું હતું અને અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. દેવેન્દ્ર પ્રસાદ નોટરી પબ્લિક હતા, તેમણે ટ્રાન્સફોર્મરની નીચે પોતાનું કાઉન્ટર લગાવ્યું હતું.