લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ બિહારની ચાર બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. આ દરમિયાન રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દાનાપુરમાં બુધવારે મોડી રાત્રે નજીવી તકરારમાં કથિત રીતે બે જ્ઞાતિઓ વચ્ચે અથડામણ થતાં એક યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ અથડામણમાં અન્ય ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. જોકે, પોલીસે દાવો કર્યો છે કે દલિત જાતિના લોકો દ્વારા સરકારી જમીન પર આંબેડકરીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી હતી, જેનો યાદવ જાતિના લોકોએ વિરોધ કર્યો હતો. જેને લઈને બંને પક્ષો વચ્ચે તણાવ સર્જાયો હતો. બુધવારે રાત્રે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. એક બાજુથી ગોળીબાર થયો હતો, જેમાં એક યુવકનું મોત થયું હતું. અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે, જેને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
શહેરના એસપી (પશ્ચિમ) અભિનવ ધીમાને એચટીને જણાવ્યું કે બુધવારે મોડી સાંજે આ ઘટના બની હતી. રાત્રે લગભગ 9.30 વાગ્યે, પોલીસને માહિતી મળી કે બે લોકો લોહીથી લથપથ પડ્યા છે, જેમાંથી એકને ગોળી વાગી છે જ્યારે બીજાને માથામાં ઈજા થઈ છે. તેમણે કહ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને ઘાયલોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગોળીથી ઘાયલ થયેલા યુવકને સદર હોસ્પિટલના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો અને બીજાને પીએમસીએચમાં રિફર કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ બિક્રમ કુમાર રામ તરીકે થઈ છે.
આ અંગે કલેશ્વરી દેવી નામની મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આંબેડકર જયંતિના દિવસે દલિત જાતિના લોકો તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક અસામાજિક તત્વોએ સમુદાય વિરુદ્ધ અભદ્ર ભાષા અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન એકબીજાને ગંભીર પરિણામોની ધમકીઓ પણ આપવામાં આવી હતી. થોડીવાર પછી એક બાજુથી પથ્થરમારો અને અંધાધૂંધ ગોળીબાર થયો. ફાયરિંગમાં બિક્રમ કુમાર રામ, ઉદય કુમાર રામ, સુમિત કુમાર રામ અને ભગવતી દેવી ઘાયલ થયા હતા. ગ્રામજનોનો દાવો છે કે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને મસલમેન અને હિસ્ટ્રીશીટર તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.
સિટી એસપીએ જણાવ્યું છે કે સાવચેતીના પગલા તરીકે ગામમાં પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને હુમલાખોરોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય પાંચ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેટલાક પુરાવા એકત્ર કર્યા હતા.