દિલ્હીમાં વરસાદઃ દેશના ઘણા રાજ્યોમાં ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. દિલ્હી અને રાજસ્થાનમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વધી રહેલા તાપમાનને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન, હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશ કુમારે પુષ્ટિ કરી છે કે ગુરુવાર (30 મે) થી આ સ્થળોએ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
દિલ્હીમાં વરસાદથી લોકોને રાહત મળી છે
દિલ્હીમાં તાપમાનના તમામ રેકોર્ડ તોડ્યા બાદ બુધવારે સાંજે ઘણી જગ્યાએ હળવો વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં આકરી ગરમી બાદ વરસાદ અને પવનના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પહેલા બુધવારે (29 મે) દિલ્હીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. અહીં પહેલીવાર તાપમાનનો પારો 52 ડિગ્રી સેલ્સિયસને પાર થયો હતો. IMD અનુસાર, મંગેશપુરમાં તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી ગરમીનું પ્રમાણ ઘટશે અને આગામી ચાર દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશ કુમારના જણાવ્યા અનુસાર, ગુરુવારથી આગામી થોડા દિવસોમાં ગરમીમાંથી ચોક્કસ રાહત મળશે, પરંતુ આગામી બે દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે.
આવતીકાલથી ઘટશે ગરમી, આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ ગુરુવાર (30 મે)થી ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન કેરળ અને ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસું શરૂ થવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. 29 અને 30 મે દરમિયાન નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં હીટવેવની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં 30 મેના રોજ ગરમીની સ્થિતિ યથાવત રહી શકે છે. દક્ષિણ રાજસ્થાનના બાડમેર, જોધપુર, ઉદયપુર, સિરોહી અને જાલોર જેવા જિલ્લાઓમાં મંગળવારે (28 મે) તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં રાહત જોવા મળી હતી.