મેડિકલ એડમિશન સંબંધિત NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ) પરીક્ષામાં ગેરરીતિના આરોપોને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં NEET-UG 2024ને રદ કરવાની માંગ સાથે PIL દાખલ કરવામાં આવી છે.
અરજીમાં 5 મેના રોજ યોજાયેલ NEET માં ગેરવાજબી પ્રથાઓ અને છેતરપિંડીઓની તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવા અને પેપર લીકની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની મદદ અને લાભ માટે કામ કરતી સંસ્થાના બે સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે NEET પેપર લીકના સમાચારથી તેઓને આંચકો લાગ્યો છે કારણ કે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ડોક્ટર બનવાની તક ગુમાવી દીધી છે .
અરજી અનુસાર કેટલાક વિદ્યાર્થીઓએ 718 અને 719 માર્કસ મેળવ્યા છે, જે આંકડાકીય રીતે શક્ય નથી. પરીક્ષાનું સમગ્ર સંચાલન આડેધડ અને મનસ્વી રીતે અને વિદ્યાર્થીઓને પાછલા બારણે પ્રવેશ આપવાના દૂષિત ઈરાદા સાથે કરવામાં આવ્યું હતું.
67 વિદ્યાર્થીઓએ 720 માંથી 720 ગુણ મેળવ્યા છે, જેમાંથી આઠ વિદ્યાર્થીઓ એક જ પરીક્ષા કેન્દ્રના હતા, જે NTA દ્વારા લેવાયેલી પરીક્ષા અંગે ગંભીર શંકાઓ ઉભી કરે છે. નોંધનીય છે કે તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે NEET-UG પરિણામની ઘોષણા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સમાન કેસમાં NTA અને અન્યને નોટિસ ફટકારી હતી.