છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ એક યુવકનું અપહરણ કરીને તેને પોલીસનો બાતમીદાર કહીને તેની હત્યા કરી નાખી છે. શુક્રવારે નક્સલવાદીઓ 35 વર્ષના યુવકનું અપહરણ કરીને તેને પોતાની સાથે લઈ ગયા હતા. આ પછી પરિવાર અને પોલીસ યુવકને શોધી રહ્યા હતા. આ દરમિયાન તેની લાશ રોડ કિનારે મળી આવી હતી.
તાજેતરમાં જ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓની હત્યા કરી નાખી હતી. આ પછી પોલીસકર્મીના ભાઈનું અપહરણ કરીને બાતમીદાર હોવાની શંકામાં તેની હત્યા કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો બીજાપુરના કુત્રુ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. શુક્રવારે નક્સલવાદીઓએ પેથા ગામની 35 વર્ષીય કુશુ હેમલાને તેના ઘરેથી અપહરણ કરીને પોતાની સાથે લઈ ગયા હતા. યુવકના પરિવારજનો તેને બે દિવસ સુધી અહી-ત્યાં શોધતા રહ્યા, ત્યારબાદ પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી. બે દિવસ બાદ રવિવારે મોડી રાત્રે પાતા કુત્રુ નજીક રોડ કિનારે યુવકની લાશ મળી આવી હતી. જેની પોલીસને જાણ કરવાની શંકાના આધારે નક્સલવાદીઓએ હત્યા કરી હતી. અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવર્ના દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૃતક હેમલાના બે ભાઈઓ છત્તીસગઢ પોલીસમાં તૈનાત છે. જેમાંથી એક ભાઈ બસ્તર વિસ્તારમાં પોસ્ટેડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓએ પહેલા યુવકને પોલીસ બાતમીદાર હોવાનો આરોપ લગાવીને તેનું અપહરણ કર્યું, પછી તેને ટોર્ચર કર્યો અને બાદમાં તેની હત્યા કરી દીધી.