ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર મોન્ટી પાનેસરે સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. મોન્ટીએ કહ્યું કે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારશે. 29 જૂને બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે.
વિરાટ કોહલી હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. અત્યાર સુધી વિરાટે સાત ઇનિંગ્સમાં 10.71ની એવરેજથી માત્ર 75 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 9 બોલમાં માત્ર એક રન બનાવ્યો હતો. વિરાટ આ ટૂર્નામેન્ટમાં બે વખત શૂન્ય પર આઉટ થયો છે. ANI સાથે વાત કરતા મોન્ટી પાનેસરે કહ્યું કે ભારત T20 વર્લ્ડ કપ જીતશે અને વિરાટ કોહલી સદી ફટકારશે.
વિરાટ કોહલીએ સેમિફાઇનલમાં રીસ ટોપલીની બોલ મિડવિકેટ પર શાનદાર સિક્સર ફટકારી હતી. જોકે, બીજા જ બોલ પર વિરાટ કોહલીએ મોટો શોટ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલીના ખરાબ ફોર્મનો પણ રોહિત શર્માએ બચાવ કર્યો હતો. સેમિફાઇનલ જીત્યા બાદ રોહિતને આશા હતી કે વિરાટ જલ્દી ફોર્મમાં પરત ફરશે.
સેમીફાઈનલ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે વિરાટ કોહલીના ફોર્મને લઈને કોઈ ચિંતા નથી. તે એક મોટી મેચનો ખેલાડી છે. રોહિતે કહ્યું હતું કે વિરાટ કોહલી ફાઈનલ મેચમાં સારો દેખાવ કરશે. રોહિતે એમ પણ કહ્યું હતું કે જો તમે 15 વર્ષ સુધી ક્રિકેટ રમો તો ફોર્મમાં કોઈ સમસ્યા નથી. વિરાટ કોહલીએ મોટી મેચોમાં ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું છે.